Today Gujarati News (Desk)
ચીનની વિસ્તારવાદી નીતિના ભારતને ઘણા કડવા અનુભવ થઈ ચુકયા છે.ચીન ભારતને હેરાન કરવા માટે ગમે તે રસ્તા અપનાવવા માટે તૈયાર હોય છે.
હવે ચીને ભારતને મ્યાનમાર થકી પરેશાન કરવા માટે હિલચાલ શરુ કરી હોય તેમ લાગે છે.મ્યાનમારના કોકો આઈલેન્ડ પર મોટા પાયે થઈ રહેલા બાંધકામ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે.એક ટેકનિકલ ફર્મે જાહેર કરેલી સેટેલાઈટ તસવીરો આ બાબત તરફ ઈશારો કરી રહી છે.જોકે અહીં હાથ ધરાઈ રહેલા પ્રોજેકટ પાછળ ચીનનો હાથ છે કે મ્યાનમાર સરકાર પોતે નિર્માણ કામગીરી કરી રહી છે તે અટકળોનો વિષય છે પણ ભારત માટે કોકો આઈલેન્ડ પર થઈ રહેલી ગતિવિધિઓ ભારત માટે સારી નિશાની નથી.
સેટેલાઈટ તસવીરોમાં રનવે, વિમાનો પાર્ક કરવા માટેના હેંગર તથા ઉત્તર દીશામાં કેટલીક ઈમારતો દેખાઈ રહી છે.રન વેની લંબાઈ અસાધારણ રીતે વધી હોય તેમ લાગે છે.કારણકે એક દાયકા પહેલા અહીંનો રનવે 1300 મીટરનો હતો.જે હવે 2300 મીટર સુધી લંબાવાયેલો છે.કોકો આઈલેન્ડનો ઉપયોગ ચીનની સરકાર ભારત પર નજર રાખવા માટે કરતી હોવાની વાત તો પહેલેથી જ બધા જાણે છે ત્યારે તેના પર થઈ રહેલુ નવુ બાંધકામ ભારત માટે ખતરાની ઘંટડીઓ વગાડી રહ્યુ છે.કોકો આઈલેન્ડને અડીને જ ભારતના આંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે.ઉપરાંત કોકો આઈલેન્ડ હિન્દ મહાસાગરમાં એન્ટ્રી લેવા માટેનો સૌથી અનુકુળ રસ્તો ગણાય છે.ભારતનુ ટેન્શન વધે તેવી બીજી વાત એ છે કે મ્યાનમારમાં ગીચ વસતી વાલા વિસ્તારોમાં ચીનમાં બનેલા કેમેરા લગાવાયા છે.આમ ચીનનો મ્યાનમારમાં પગપેસારો વધી રહ્યો છે.
મ્યાનમારને પોતાની તરફ ખેંચવા માટે ચીન પહેલા જ ચીન-મ્યાનમાર ઈકોનોમિક કોરિડોર શરુ કરી ચુકયુ છે.આમ ચીન મોટાપાયે આ દેશમાં રોકાણ કરી રહ્યુ છે. આ જ બ્લુપ્રિન્ટ પર ચીન પાકિસ્તાનમાં પણ કામ કરી રહ્યુ છે.