Today Gujarati News (Desk)
વાઘોડિયામાં વાઘનાથ તળાવના બ્યુટીફિકેશન મુદ્દે વાઘોડિયાના ધારાસભ્યના સમર્થકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાહેરમાં લાફો મારી દીધો હતો.
આ અંગે વાઘોડિયાના માડોધર રોડ પર આવેલી ગીતાંજલિ સોસાયટીમાં રહેતા નિલેશ ચંદ્રકાંત પુરાણીએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કિરીટસિંહ જાડેજા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે જિલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન છે.વાઘોડિયા ગામમાં આવેલા વાઘનાથ તળાવના બ્યુટીફિકેશન અંગે કામકાજનું ટેન્ડર ઓનલાઈન થઈને ડિઝાઇનિંગ અને એસ્ટીમેટ લેવલે છે જે અંગે વાઘોડિયાના ધારાસભ્યએ એક પત્ર લખી તળાવની ગંદકી દૂર કર્યા બાદ કામ કરવું તેવું લેખિતમાં સંબંધિત વિભાગને જણાવ્યું હતું જેથી હું તેમજ ગામના આગેવાનોએ તળાવ પાસે જઈ તપાસ કરી અને તેની જાણ સાંસદ ધારાસભ્ય ડીડીઓ અને કલેકટરને લેખિતમાં કરી હતી ધારાસભ્યને પણરૂબરૂ મળી રજૂઆતનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ મળ્યા ન હતા. આજે હું બહાર નીકળ્યો હતો ત્યારે ધનેશગીરી ગોસ્વામીનો મારા પર ફોન આવેલ આ ફોન ઉપર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મારી સાથે ઉશ્કેરાઈને વાત કરી હતી જેથી હું વાઘોડિયા પરત આવ્યો અને ધારાસભ્યને ફોન કરતા તેઓ તળાવ પર છે તેવું જણાવ્યું હતું. હું ત્યાં પહોંચ્યો ત્યારે ધારાસભ્ય મળ્યા ન હતા પરંતુ તેમના માણસો અને ગામના અન્ય લોકો ત્યાં હતા ધારાસભ્યના ઓળખીતા કિરીટસિંહે મારી સાથે ઝઘડો કરી કોઈપણ કારણ વગર ઉશ્કેરાઈને મારા ડાબા ગાલ પર તમાચો મારી દીધો હતો અને ધમકી આપી હતી.