Today Gujarati News (Desk)
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.
લાલ ડુંગળીની નિકાસ માટે 20 કરોડની સહાય
સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને 1કટ્ટા દિઠ 100 રૂપિયા એટલે કે, 1 કિલોએ રૂ. 2 અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે 50કટ્ટા (250 ક્વિન્ટલ) અથવા 50 હજાર રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. 70 કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2.00 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે 20 કરોડની સહાય જાહેર કરી છે.
સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો
બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ 240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય કરવામાં આવશે.
અંદાજિત 20 કરોડ રકમની સહાય અપાશે
રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ.1 લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં આર્થિક સહાય 1 ફેબ્રુઆરી 2023 થી 31 માર્ચ 2023 સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત 200 કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ 50 એટલે કે એક કિલોગ્રામ એ 1 અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં આર્થિક સહાય તા. 1 ફેબ્રુઆરી 2023 થી તા.31 માર્ચ 2023 સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય આપવામાં આવશે.