Today Gujarati News (Desk)
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે આ વચ્ચે જેલમાં જયસુખ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જયસુખ પટેલની તબિયત લથડતાં તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે. સામાન્ય બીપીની તકલીફ થતા ડોક્ટર દ્વારા સારવાર આપી રવાના કરવામાં આવ્યા છે. સોમવારે ફરી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવવા ડોક્ટરે સલાહ આપી છે.
મહત્વનું છે કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે આ પહેલા આરોપી જયસુખ પટેલ સામે પોલીસે પુરવણી ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે કોર્ટમાં એક હજાર પાનાની ચાર્જશીટ અને 330થી વધુ સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. જેમાં સંપૂર્ણ સલામતી સાથે ઉપયોગ કરી શકાય તે રીતે પુલ ખુલ્લો મુકવાની શરતોનો ઓરેવા કંપનીએ ભંગ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
એટલું જ નહીં પુલ ખુલ્લો મુકવાની શરતોનો ઓરેવા કંપનીએ ભંગ કર્યો હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઓરેવા કંપનીની બેદરકારીને કારણે નિર્દોષ લોકોને જીવ ખોવાનો વારો આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.