Today Gujarati News (Desk)
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. મોદી સરનેમ અંગે કરેલા નિવેદન પર વિવાદ હજુ સમાપ્ત થયો નથી, ત્યારે વધુ એક નિવેદને રાહુલ ગાંધી સામે મુશ્કેલી ઉભી કરી દીધી છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓ ફરી વિવાદમાં આવી ગયા છે અને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દરમિયાન જાન્યુઆરીમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની તુલના કૌરવો સાથે કરી હતી અને RSSને 21મી સદીના કૌરવ કહ્યા હતા, જે અંગે હરિદ્વાર કોર્ટમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. કમલ ભદોરિયા વતી એડવોકેટ અરુણ ભદોરિયાએ ફરિયાદ કરી છે. કમલ ભદોરિયા RSS સ્વયંસેવક રહી ચૂક્યા છે. કોર્ટ આ મામલે 12 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધાયો છે.
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન કુરુક્ષેત્રમાં એક નિવેદન આપ્યું હતું. 21મી સદીના કૌરવો સાથે RSSની સરખામણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે 21મી સદીના કૌરવો ખાકી હાફ પેન્ટ પહેરે છે, હાથમાં લાકડીઓ લઈને ઉભા રહે છે અને શાખાઓ લગાવે છે. તેમની સાથે 2-3 અબજોપતિ ઉભા છે. મળતા અહેવાલો મુજબ આ મામલે 11 જાન્યુઆરીએ રાહુલ ગાંધીને લીગલ નોટિસ પાઠવાઈ હતી, જે અંગેનો જવાબ રાહુલ ગાંધીએ હજુ સુધી આપ્યો નથી… આ નોટિસ કમલ ભદોરિયા દ્વારા મોકલાઈ છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ મોદી સરનેમને લઈ વિવાદીત નિવેદન આપવા બદલ ગુજરાતમાં આવેલી સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી, ત્યાર બાદ બીજા જ દિવસે લોકસભામાં રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરાયા બાદ તેમનું સંસદ પદ રદ કરવામાં આવ્યું હતું.. તેમણે આ નિવેદન વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન આપ્યું હતું. જેમાં તેણે નીરવ મોદી અને લલિત મોદી જેવા લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કેવી રીતે તમામ ચોરોના નામ પર મોદી સરનેમ છે. તો RSS અંગે કરેલા નિવેદનને લઈ વધુ એક વિવાદમાં રાહુલ ગાંધી ફસાયા હોવાની ઘટના સામે આવી છે.