Today Gujarati News (Desk)
ગુજરાતના અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ તમામ લોકો વિરુધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે 8 વ્યક્તિઓ સામે ફરીયાદ દાખલ કરીને કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જેમકે વટવા, ઈસનપુર, મણીનગર, નારોલ, વાડજમાં પોસ્ટરો લગાવાવમાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તમામ પોસ્ટર સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા.
આ ધરપકડો આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પોસ્ટર ઝુંબેશ શરૂ કર્યાના એક દિવસ પછી કરવામાં આવી છે. AAPએ દેશભરની 11 ભાષાઓમાં ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે.