Today Gujarati News (Desk)
રાજ્યમાં વધતા કોરોના કેસમાં વધારો થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્ય વિભાગે રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા ગોઠવી હતી. તે અંગે બેઠકમાં આ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી તા. 10 અને 11 એપ્રિલના રોજ રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે: ઋષિકેશ પટેલ
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના રોજ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ, માનવ બલ વગેરેની સજ્જતાની ચકાસણી કરવામાં આવશે. તેમજ આરોગ્ય મંત્રીએ હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠા અંગે પણ સમીક્ષા હાથ ધરી હતી. અને આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું તે અંગેની સમીક્ષા કરી હતી.