Today Gujarati News (Desk)
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે આજે સવારથી જ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવતાં કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતાં. હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડશે.
આજે રાજ્યના 16 જિલ્લામાં માવઠાનું સંક્ટ
આજે વહેલી સવારથી જ રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. વાદળછાયુ વાતાવરણ હોવાથી તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં વાતાવરણ પલટાતાં કાલુપુર, રાયપુર, પાલડી, ખાડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે વહેલી સવારથી જ શહેરમાં જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 16 જિલ્લામાં માવઠાનું સંક્ટ છે.બીજી બાજુ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમી દ્વારકા, પોરબંદર, રાજકોટ, ખેડા, પંચમહાલ, સાપુતારા અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાપુતારામાં ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. માવઠાના એંધાણ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.