Today Gujarati News (Desk)
રાહુલ ગાંધીને લઈને બીજેપી અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો યથાવત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પીએમ નરેન્દ્ર મોદી પર ફરી આકરા પ્રહાર કર્યા છે. ખડગેએ આજે ટ્વીટ કરીને પીએમ મોદીને અનેક મુદ્દા પર ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અદાણીની શેલ કંપનીમાં 20,000 કરોડ રૂપિયા કોના છે? લલિત મોદી, નીરવ મોદી, મોહુલ ચોક્સી, વિજય માલ્યા, જતિન મહેતા વગેરે તમારા ભ્રષ્ટાચારી ભગાઓ અભિયાનના સદસ્ય છે. તમે આ ગઠબંધનના સંયોજક છો. પોતાને ભ્રષ્ટાચાર-વિરોધી ગણાવી પોતાની છબી ચમકાવાનું બંધ કરો.
ભ્રષ્ટાચારીઓ સાથે બીજેપીનું ગઠબંધન કેમ?
મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પોતાના બીજા ટ્વીટમાં લખ્યુ કે, કર્ણાટકમાં તમારી સરકાર પર 40% કમિશનનો આરોપ કેમ છે? મેઘાયલમાં તમારી સરકારે ભ્રષ્ટાચારી સરકાર સાથે ગઠબંધન કેમ કર્યું? કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે 95% વિપક્ષી નેતાઓ પર CBI-ED દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે, શું ભાજપ એ વોશિંગ મશીન છે જેમાં નેતાઓ ધોવાઈને સાફ થઈ જાય છે. ખડગેએ પીએમને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારી પાસે 56 ઈંચની છાતી છે તો જેસીપી બેસાડો અને 9 વર્ષમાં પહેલીવાર ઓપન પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત કરો. હા! એ લોકોને જવાબ આપજો જેઓ એ નથી પૂછતા કે તમે કેરી કેવી રીતે ખાઓ છો, અથવા તમને કેમ થાક નથી લાગતો.