Today Gujarati News (Desk)
ઉત્તર પ્રદએશના ખતરનાક માફિયા રાજકારણી ગણાતા અતિક અહેમદને આજે અમદાવાદના સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ જવાના માટે ઉત્તર પ્રદેશની પોલીસ રવાના થઈ છે. તેને ઉમેશ પાલ હત્યા કેસ અંગે પૂછ પરછ કરવા પ્રયાગરાજ રઈ જવાઈ રહ્યો છે. અતિક અહેમદ પર માત્ર ઉમેશ પાલની હત્યાનો કેસ જ નહીં ખૂન, ધાડ, અપહરણ, ખંડણી, ઠગાઈ સહિતના અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. અતિક અહમદ સામે 120થી વધુ કેસ છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી હત્યાએ ખળભળાટ મચાવ્યો છે. મશીનગનો સાથે ત્રાટકેલા છ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અને બોમ્બ ફેંકીને માત્ર ૪૭ સેકન્ડમાં તો પાલનો ખેલ ખતમ કરીને ફરાર થઈ ગયા. ઉમેશ પાલના રક્ષણ માટે ગનમેન સતત તેની સાથે રહેતો પણ હુમલાખોરોએ એવું જડબેસલાક પ્લાનિંગ કરેલું કે બચાવની તક જ ના મળી. હુમલાખોરોએ પોતાના બચાવ માટે ગોળીઓ વરસાવી અને બોમ્બ ફેંક્યા, બાકી ઉમેશ પાલ તો પહેલી ગોળીમાં જ ઢળી પડયા હતા. આ ઘટનાના રાજકીય રીતે પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે કેમ કે ઉમેશ પાલ ૨૦૦૫માં પ્રયાગરાજમાં થયેલી બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા. રાજુ પાલની હત્યાના કેસમાં યુપીનો કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહમદ મુખ્ય આરોપી છે. અતિક અહમદ ગેંગ ઉમેશ પાલને પણ પતાવી દેશે એ ખતરો હોવાથી તેને પોલીસ રક્ષણ અપાયેલું. ગનમેન રાઘવેન્દ્ર સતત તેમની સાથે રહેતો હતો.
હુમલાખોરે ઘરમાં ઘૂસીને ગોળીઓ મારી
ઉમેશ પાલ શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે કારમાં બહાર જવા નિકળ્યા હતા. કાર ઘરની બહાર નિકળી પછી પાલ દરવાજો બંધ કરવા બહાર નિકળ્યા કે તરત એક હુમલાખોરે નજીક આવીને ગોળી મારી દીધી હતી. ઘાયલ ઉમેશપાલ ઘર તરફ ભાગ્યા તો હુમલાખોરે ઘરમાં ઘૂસીને ગોળીઓ મારીને તેમનો ખેલ ખતમ કરી નાંખેલો. ગનમેન રાધવેન્દ્રે બહાર નિકળીને ગન તાકી તો તેના પર પણ ધડાધડ ગોળીઓ વરસવા માંડી. સફેદ કલરની કાર અને લાલ રંગના બાઈક પર આવેલા છ હુમલાખોરોના ગોળીબારમાં ગનમેન પણ ઘાયલ થઈ ગયો હતો. હુમલાખોરોએ ગનમેનને જવા દીધો કેમ કે તેમનો ઈરાદો ઉમેશ પાલને મારવાનો જ હતો. ઉમેશ પાલ પણ દબંગ નેતા છે તેથી ઘરે રક્ષણ માટે માણસો રાખેલા છે. તેના માણસો પીછો ના કરે એટલે ડર પેદા કરવા હુમલાખોરો અંધાધૂંધ ગોળીઓ વરસાવતા ને બોમ્બ ફેંકતા ફેંકતા છૂ થઈ ગયા. યુપીમાં આ ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. યુપી વિધાનસભામાં પણ આ ઘટનાના કારણે ભારે બબાલ થઈ ગઈ. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે યોગી આદિત્યનાથના શાસનમાં માફિયા રાજ હોવાનો આક્ષેપ મૂક્યો તો ભડકેલા યોગીએ આ હત્યા માટે જવાબદાર અતિક અહમદને સમાજવાદી પાર્ટીઓ પોષ્યો હોવાનો આરોપ મૂકીને કહ્યું કે, સપાના માણસો ચોરી પર સિનાજોરી કરી રહ્યા છે. અખિલેશ અને યોગી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ ગઈ ને તેના વીડિયો વાયરલ પણ થયા છે. બંને એકબીજા સામે બૂમબરાડા કરતા હોય એવું વીડિયોમાં દેખાય છે. આ દલીલબાજી વચ્ચે યોગીએ હુંકાર કર્યો છે કે, પ્રયાગરાજની ઘટનાના દોષિતોનો સફાયો કરી નાંખીશું. રાજુ પાલના પરિવારે અતિક અહમદ સામે ફરિયાદ નોંધાવી છે ને ઉમેશ પાલની હત્યા કોણે કરાવી એ બધાં જાણે છે. યોગીએ ડાયલોગ પણ ફટકાર્યો કે, હમ માફિયાઓં કે ખિલાફ હૈં ઔર અતિક અહમદ કો મિટ્ટી મેં મિલા દેંગેં.