Today Gujarati News (Desk)
ટ્યુનિશિયાના દક્ષિણપૂર્વ કિનારે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 19 લોકોના મોત થયાના અહેવાલ છે. સબ-સહારન દેશોમાંથી 38 પ્રવાસીઓને લઈને બોટ ટ્યુનિશિયાના સ્ફેક્સ પ્રાંતમાંથી યુરોપિયન દરિયાકાંઠે જવા રવાના થઈ હતી. એક સ્થાનિક સમાચારની એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે. ટ્યુનિશિયાના કોસ્ટ ગાર્ડે છેલ્લા 48 કલાકમાં ઈટાલી તરફ જતી 56 બોટને અટકાવી દીધી છે.
સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ટ્યુનિશિયન નેશનલ ગાર્ડના હુસેમ જેબાબલીએ જણાવ્યું હતું કે દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલા 3 હજારથી વધુ પ્રવાસીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. બે દિવસમાં ડૂબવાની આ પાંચમી પ્રવાસી બોટ છે અને અધિકારીઓનું માનવું છે કે તે ઇટાલી તરફ જઈ રહી હતી. ટ્યુનિશિયા યુરોપમાં સ્થળાંતર કરનારાઓ માટે એક લોન્ચ પેડ બની ગયું છે.
યુએનના આંકડા દર્શાવે છે કે આ વર્ષે ઇટાલી પહોંચેલા ઓછામાં ઓછા 12 હજાર લોકોએ ટ્યુનિશિયા છોડ્યું હતું. આ ગયા વર્ષના આ જ સમયગાળામાં 1,300 લોકોએ ટ્યુનિશિયા છોડ્યું હતું. ગયા મહિને ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ કૈસ સૈયદે દેશમાં રહેતા સબ-સહારન આફ્રિકન સ્થળાંતર પર ગુનાની લહેર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો તેમને વસ્તી વિષયક જોખમ તરીકે વર્ણવ્યા હતા.