Today Gujarati News (Desk)
રાજ્યની તમામ જેલોમાં ગૃહપ્રધાને પડાવેલા દરોડાના કારણે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સર્ચ દરમિયાન ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવી પોલીસની હાલત થઈ હતી. દરોડાની કાર્યવાહી વહેલી સવારે 7વાગ્યે પૂર્ણ કરીને પોલીસ અધિકારીઓ સહિત 100 પોલીસ કર્મીઓનો સ્ટાફ બહાર આવ્યો હતો. પોલીસના 10 કલાક ચાલેલા સર્ચ ઓપરેશનમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી કોઈ ગંભીર પ્રકારની ચીજ વસ્તુઓ મળી નથી. પરંતુ માત્ર ગુટકાની પડીકીઓ છુટ્ટી તમાકુ અને બીડી બનાવવાના સુકા પાંદડા મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જેલ સંકુલમાં બીડીના પાંદડાનું વૃક્ષ હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં જઈને શુક્રવારે મોડી રાત્રે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત એક પછી એક તમામ જેલોમાં સઘન ચેકિંગના આદેશ કર્યા હોવાના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
કેદીઓને પાન મસાલા દારૂ ગુટકા સહિત ભાવતા ભોજન પીરસાતા હોવાની અને ફરિયાદો અને વારંવાર મોબાઇલ ફોન પકડાયાની ઘટના બહાર આવી હોવાના કારણે ગૃહમંત્રી એકલા જ સાબરમતી જેલમાં પહોંચી ગયા હતા.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સહિત 32 જેલની સ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો. સાંજે સાતેક વાગ્યા બાદ રાજ્યની તમામ જેલમાં પોલીસ તંત્રને રેડની કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા હતા.
જેથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ આ આદેશના પગલે રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફના જવાનો તથા મહિલા પોલીસ સ્ટાફ સહિત 100 પોલીસ કર્મીઓનો સ્ટાફ જોડાયો હતો.
વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોડી રાતથી વહેલી સવાર સુધી 10 કલાક સર્ચની કામગીરી ચાલી હતી. સવારે સાત વાગે પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફનો કાફલો જેલ બહાર આવ્યો હતો.
પૂછતાછ દરમિયાન પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જેલમાંથી કોઈ ગંભીર પ્રકારની ચીજ વસ્તુઓ મળી નથી. સર્ચ દરમિયાન માત્ર વિમલ ગુટખાની પડીકીઓ છૂટી તમાકુ બીડી બનાવવાના સુકા પાંદડા મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું.