Today Gujarati News (Desk)
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી, જે સંખ્યા વર્ષ 2022માં 2,276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020 માં 14,498 થી વધીને 83% નો વધારા સાથે 2022 માં 26,542 થઈ.વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે રાજ્યસભામાં 24 માર્ચ 2023 ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.
ગૃહમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020 માં 873, 2021 માં 1,703 અને 2022 માં 2,276 હતી, જ્યારે ગુજરાતમાંથી 592 કંપનીઓને 28 ફેબ્રુઆરી 2023 સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે – એટલે કે સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્યા 5,444 કંપનીઓ સુધી પહોંચી છે. રાષ્ટ્રીય સ્તરે, DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમા ક્રમે છે.2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ શરૂ થઈ ત્યારથી, ડીપીઆઈઆઈટીએ 28મી ફેબ્રુઆરી 2023 સુધીમાં 92,683 એકમોને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં (2020, 2021 અને 2022) અને વર્તમાન વર્ષમાં (28મી ફેબ્રુઆરી 2023ના રોજ), કુલ 67,222 કંપનીઓને DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે, મંત્રીશ્રીના નિવેદન અનુસાર.સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, સેક્ટર મુજબ, IT સર્વિસીમાં સૌથી વધુ 7,587 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે, ત્યારબાદના ક્રમે 6,459 સાથે હેલ્થકેર અને લાઇફસાયન્સ અને 4,164 સ્ટાર્ટઅપ્સ નોંધણી સાથે શિક્ષણ આવે છે.નથવાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં અને ચાલુ વર્ષમાં દેશમાં નોંધાયેલા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા, તે જ સમયગાળા દરમિયાન યુનિકોર્ન બનેલા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા અને દેશમાં સ્ટાર્ટ-અપ કલ્ચરને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી ઉપલબ્ધ બનાવવા વિનંતી કરી હતી.