Today Gujarati News (Desk)
ભારતના મધ્યપ્રદેશમાં મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલી ઉજ્જૈન નગરીમાં આવેલ માતા હરસિદ્ધિનું ભવ્ય મંદિર આવેલુ છે, જે 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે તેવા માતા હરસિદ્ધિના દરબારમાં દરરોજ 1051 દીવાઓ સાથે આરતી કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેશભરમાંથી ભક્તો માતાના આશીર્વાદ મેળવવા માટે અહીં આવતા હોય છે. હરસિદ્ધિ માતાના મંદિરમાં અન્ય માતાના મંદિરોની સરખામણીમાં અલગ પરંપરાઓ સાથે પૂજા અને આરતી કરવામાં આવે છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના મંદિરના આસપાસના વિસ્તારને પ્રાચીન સમયથી જ મહાકાલ નગરી તરીકે ઓળખવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરની પાછળ જ 51 શક્તિપીઠમાં સામેલ હરસિદ્ધિ માતાનું મંદિર છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન વિશેષ પ્રકારની પૂજા-અર્ચના થાય છે.
હરસિદ્ધિ માતાના મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ બ્રહ્મ મુહૂર્તમાં માતા હરસિદ્ધિનો દરબાર ખુલે છે. આ પછી દૂધ, દહીં, મધ, ખાંડ, જળ વગેરેથી પંચામૃત પૂજન અને અભિષેક કરવામાં આવે છે. ભક્તો માટે માતાનો દરબાર સોળ શણગાર પછી ખોલવામાં આવે છે. મંદિર પરિસરમાં 1051 દીપ માલિકાઓ છે, જે આરતી દરમિયાન પ્રગટાવવામાં આવે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ ઉજ્જૈનમાં માતાની કોણી પડી હતી. તે પછી અહીં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી.માતા હરસિદ્ધિને સમ્રાટ વિક્રમાદિત્યની આરાધ્ય દેવી માનવામાં આવે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ સમ્રાટ વિક્રમાદિત્ય માતાના આશીર્વાદ લેવા માટે દરરોજ મંદિરમાં જતા હતા. અનેક કથાઓમાં પણ આનું વર્ણન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ દરમિયાન જે પણ ભક્ત માતાના દરબારમાં ભક્તિભાવથી આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.