Today Gujarati News (Desk)
રાજકોટમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં 45 મિનિટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. રાજકોટ જિલ્લામાં લોધિકા, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. વરસાદના પગલે યુનિવર્સિટી રોડ નજીક પાણી ભરાયા છે. લોધિકાના ખીરસરા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા ચારેક કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટમાં 1.25 ઈંચ, અંજારમાં એક ઈંચ જ્યારે નખત્રાણા, જૂનાગઢ, જેતપુરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટ સહિત સુરત, જૂનાગઢ, ધોરાજી, બારડોલી, કડોદરા,ચલથાણ, વરેલી, અંત્રોલી, તાતીથૈયા,પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છ તથા અંજાર અને આદિપુરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. વરસાદને પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી હતી. જ્યાં ઘઉં, ધાણા, મરચાં, જેવા પાકો પલળ્યા હતા. 23 માર્ચે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.