Today Gujarati News (Desk)
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને રોકીને છરો બતાવી પહેરેલા દાગીનાની લૂંટ કરતી ગેંગના 3 ઈસમોને પોલીસે સોનાના દાગીના તેમજ મોટર સાઈકલ અને એક્ટીવા સહિત રુપિયા 11 લાખ 44 હજાર એકસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે આઠ નવા ગુનાનો ભેદ ઉકેલવામાં શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પો.ઈ બી.એસ.સુથારની ટીમને બાતમી મળી હતી કે, અગાઉ હથિયારનાં ગુનામાં પકડાયેલા શિવસિંગ ઉર્ફે આશુ સીકરવાર તથા તેના સાંગરીતો અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં એકલ- દોકલ જતા નાગરિકોને રોકીને ડરાવી-ધમકાવી તેમને પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરી તેને વેચવા માટે નંબર વગરની બાઈક લઈ પોતાના ઘરેથી ખોડીયાર માતાજીના મંદિર થઈ ઠક્કરનગર તરફ જવા નિકળ્યા છે.
બાતમીના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચે નિકોલ ખોડીયાર માતાના મંદિર પાસેથી શિવસિંગ ઉર્ફે આશુ સીકરવાર અને તેના સાંગરીતો દિલીપ ઉર્ફે ભૂરો રોશનભાઈ રાજપુત, રાજારામ ઉર્ફે સોનુ રાજકમલ યાદવને સોનાના દાગીના તેમજ મોટર સાઈકલ અને એક્ટીવા સહિત રુપિયા 11 લાખ 44 હજાર એકસોના મુદ્દામાલ સાથે 3ને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસની પુછપરછ દરમ્યાન વધુ આઠ કેસનો ભેદ ઉકેલાયો હતો. પોલિસે ત્રણેય આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.