Today Gujarati News (Desk)
ગુજરાતમાં રાજકીય રમત રમતા ધારાસભ્યો ક્રિકેટ રમતા પણ જોવા મળશે. ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23 ની શરૂઆત થવા જઇ રહી છે. તારીખ 20,27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન કરાયું છે. આ મેચનું આયોજન કોબા ખાતે આવેલા એક ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થશે. આ મેચ 20 ઓવરની રહેશે. સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમતા જોવા મળશે.ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નર્મદાની ટીમના કેપ્ટન બનાવાયા છે.જ્યારે ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાબરમતી ટીમના કેપ્ટન બનાવાયા છે.
આ ક્રિકેટ લીગમાં બનાસ,તાપી, વિશ્વામિત્રી, ભાદર,સરસ્વતી,શેત્રુંજી, સાબરમતી, નર્મદા, મહીસાગર અને મીડિયા ટીમ બનાવવામાં આવી છે. જેનો પ્રથમ રાઉન્ડ 20-03-2023 ના દિવસે આયોજીત થશે. જેમાં બનાસની સામે વિશ્વામિત્રી ઉતરશે. આ મેચ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યે તાપીની સામે ભાદર ઉતરશે. સરસ્વતીની સામે શેત્રુંજી 10 વાગ્યે ઉતરશે. 27 તારીખે મેચનો બીજો રાઉન્ડ હશે. જેમાં સવારે 7 વાગ્યે સાબરમતીની સામે નર્મદાની ટીમ ઉતારવામાં આવશે. ત્યાર બાદ પ્રથમ મેચની વિજેતા ટીમ મહિસાગરની સામે 8.30 વાગ્યે ઉતરશે. જ્યારે મીડિયાની ટીમ સામે બીજી મેચની વિજેતા ટીમ ઉતરશે. 28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે. જેમાં સેમી ફાઇનલમાં મેચ ત્રણની વિજેતા ટીમ અને ચોથી મેચની વિજેતા સાંજે સાત વાગ્યે સામસામે ઉતરશે. જ્યારે પાંચમી મેચ અને છઠ્ઠી મેચની વિજેતા ટીમ સાંજે 8.30 વાગ્યે આયોજીત થશે. ત્યાર બાદ સાતમી મેચની વિજેતા ટીમ અને આઠમી મેચની વિજેતા ટીમ સામસામે ફાઇનલ સ્વરૂપે સાંજે 10 વાગ્યે ટકરાશે.