Today Gujarati News (Desk)
જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતો વેપારી યુવાન ગત તા.14 ના રોજ બપોરના સમયે એચ ડી એફ સી બેંકમાંથી 20 લાખી રોકડ ઉપાડીને તેના બાઈક પર જતો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ લાખોની રોકડ ભરેલા થેલાની લૂંટના બનાવમાં એલસીબીની ટીમે સુરતનો અને એક લાલપુરના શખ્સને રૂા.18,50,000 ની રોકડ અને બાઇક તથા મોબાઇલ સહિત ઝડપી લઇ અન્ય બેશખ્સોની શોધખોળ આરંભી છે.
મળતી વિગત મુજબ, જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં યમુના ટ્રેડીંગ પેઢી ધરાવતા ભૌતિકભાઈ પ્રવિણભાઈ રામોલિયા નામનો વેપારી યુવાન ગત તા.14 ના રોજ એચડીએફસી બેંકમાંથી રૂા.20 લાખ લઇ બાઈક પર જતો હતો ત્યારે યાર્ડના મુખ્ય ગેઈટ પાસે પહોંચ્યો તે સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પલકવારમાં વેપારી પાસેથી લાખોની રોકડ ભરેલા થેલીની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં. આ બનાવમાં જામજોધપુર પોલીસે જિલ્લામાં નાકાબંધી કરાવી હતી. પોલીસ અધિક્ષ પ્રેમસુખ ડેલુની સૂચના દ્વારા લુંટનો ભેદ ઉકેલવા કરાયેલા આદેશના પગલે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એમ. મોરી તથા એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો તથા જામજોધપુર પોલીસની જુદી જુદી ટીમો બનાવી જામજોધપુર, ઉપલેટા, જેતપુર-ગોંડલ, સુરત, ધોરાજી, જામકંડોરણામાં તપાસ આરંભી હતી. દરમિયાન ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સની મદદથી ગુનામાં વપરાયેલ એફ ઝેડ બાઇક સુરતના ખાટોદરામાંથી ચોરી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતુભા જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, હરદીપ ધાંધલ, ફીરોજ ખફી, રાકેશ ચૌહાણને મળેલી બાતમી તથા નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમારના ટેકનિકલ એનાલિસીસના આધારે સુરતના દસ્તગીર શકીલ કુરેશી અને લાલપુર તાલુકાના નાની રાફુદડનો નરશી રવશી ખાણધર દ્વારા અંજામ અપાયો હોવાનું અને અને તે પૈકીનો દસ્તગીર ધોરાજી-જામકંડોરણા તરફથી કાલાવડ બાજુ આવતો હતો ત્યારે કાલાવડના ટોડા ગામના પાટીયા પાસેથી એલસીબીની ટીમે આંતરીને દસ્તગીરને દબોચી લીધો હતો.તેની પાસેથી રૂા.18,50,000 મળી આવ્યા હતાં અને આ રકમ જામજોધપુરમાંથી વેપારી પાસેથી ચીલ ઝડપ કર્યાની કેફીયત આપી હતી. તેમજ આ ગુનામાં ઉપલેટા તાલુકાના ભાયાવદરનો ધવલ અશોક સિનોજીયા તેમજ જામજોધપુરનો દિલીપ વિઠ્ઠલ કાંજીયા સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ભાયાવદરના ધવલ અશોક સિનોજીયાની ધરપકડ કરી હતી.