Today Gujarati News (Desk)
બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવાયેલો તિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. જોકે હવે તેમને જડબાતોડ જવાબ ભારતીય હાઈ કમિશન તરફથી જ આપવામાં આવ્યો છે. ભારતીય હાઈ કમિશનની ઈમારત પર ફરી તિરંગો તો લહેરાવી જ દેવાયો અને સાથે જ એક વિશાળ તિરંગો પણ લગાવાયો હતો. હવે આ તસવીર પણ વાઈરલ થવા લાગી છે.
ભાજપના પ્રવક્તાએ કરી ટ્વિટ
આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેરગીલે એક ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેની સાથે તેમણે કેપ્શન પણ લખી હતી કે ‘ઝંડા ઊંચા રહે હમારા… ‘ બ્રિટિશ સરકાર દ્વારા દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અપીલ છે.
ખાલિસ્તાન સમર્થકોએ ઝંડો ઉતારી દીધો હતો
ઉલ્લેખનીય છે કે તિરંગાના આ અપમાનની ઘટના એવા સમયે બની હતી જ્યારે પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસે ભારતમાં કાર્યવાહી કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં બ્રિટનના કમિશનરે આ મામલે ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી.
બ્રિટનના રાજદ્વારીને તેડું
વિદેશ મંત્રાલયે કડક ભાષામાં બ્રિટનના રાજદ્વારી પાસે આ મામલે જવાબ માગ્યો હતો. તેમને સવાલ કરાયો હતો કે શું ત્યાંની બ્રિટિશ સિક્યોરિટી આ હુમલા સમયે શું કરી રહી હતી? વિયેના કન્વેન્શન અનુસાર સુરક્ષા બ્રિટનની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી સાંખી લેવાય તેમ નથી. આશા છે કે બ્રિટિશ સરકાર એ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.