Today Gujarati News (Desk)
બાંગ્લાદેશમાં રવિવારે એક પૂરપાટ ઝડપે દોડતી બસ ખીણમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા. હજુ 24થી વધુ લોકો ઘવાયાની પણ માહિતી છે. પોલીસે જણાવ્યું કે ઈમાદ પરિભાન દ્વારા સંચાલિત ઢાકા જતી બસ સવારે આશરે સાડા સાત વાગ્યે મદારીપુરમાં એક એક્સપ્રેસ વે પર અનિયંત્રિત થઈ ગઈ હતી જેના લીધે તે ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 40થી વધુ મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે.
મૃતકાંક વધવાની શક્યતા
પોલીસે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કેમ કે અનેક ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ છે. મદારીપુર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મોહમ્મદ મસૂદ આલમે કહ્યું કે ઘાયલોને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. એવું મનાય છે કે ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવતા અને બસમાં કોઈ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
ટાયર ફાટ્યું હોવાની પણ આશંકા
ફરીદપુર પોલીસ સર્વિસના ઉપસહાયક નિર્દેશક શિપ્લૂ અહેમદે દુર્ઘટના વિશે જણાવતા કહ્યું કે એવું મનાય છે કે પૂરપાટ ઝડપે દોડતી બસનું ટાયર ફાટી ગયું હતું અને એના લીધે જ ડ્રાઈવરે નિયંત્રણ ગુમવતા બસ ખીણમાં ખાબકી હતી. નીચે જમીન પર બસ પટકાવાને લીધે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ફાયરબ્રિગેડની ત્રણ ટીમ વાહનો સાથે ઘટનાસ્થળે બચાવ કામગીરી કરવા પહોંચી છે.