Today Gujarati News (Desk)
દુષ્કર્મ અને અપહરણ જેવા ગંભીર કેસમાં આરોપી અને ભારતમાંથી ફરાર નિત્યાનંદ હવે અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્વઘોષિત ભગવાન અને કાલ્પનિક દેશ કૈલાસાના સ્થાપક નિત્યાનંદે અમેરિકાના 30 શહેરો સાથે છેતરપિંડી આચરી હતી. તેનો ખુલાસો થતાં જ હવે અમેરિકાના શહેરો એ વાતનો અફસોસ કરી રહ્યા છે કે તેઓએ નિત્યાનંદની અગાઉ તપાસ કેમ ન કરી?
છેતરપિંડીનો આ મામલો સિસ્ટર સિટી એગ્રીમેન્ટને લઈને સામે આવ્યો છે. ખરેખર આ કરાર કોઈપણ બે દેશના બે શહેરો વચ્ચે થાય છે. તેનાથી બે શહેરો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવાય છે. અમેરિકાની વાત કરીએ તો ડ્વાઈટ ડેવિડ આઈઝનહોવર વર્ષ 1955માં ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની સત્તા સંભાળનાર આઈઝનહોવરે સિસ્ટર સિટીઝ ઈન્ટરનેશનલ (SCI)ના રૂપમાં પહેલ કરી હતી.
ભાગેડુ નિત્યાનંદે પણ અમેરિકાના આ સિસ્ટર સિટી કરારનો લાભ ઊઠાવ્યો હતો. એક અહેવાલ મુજબ નિત્યાનંદે તેમના ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ દ્વારા 30 થી વધુ અમેરિકન શહેરો સાથે સિસ્ટર સિટી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર કરનારા શહેરોમાં નેવાર્ક, રિચમન્ડ, વર્જિનિયા, ડેટોન, ઓહિયો, બુએના પાર્ક અને ફ્લોરિડા જેવા મહત્વના અમેરિકી શહેરો સામેલ છે.
કૈલાસાએ 12 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકાના ન્યુ જર્સી કાઉન્ટીના સૌથી મોટા શહેર નેવાર્ક સાથે સિસ્ટર-સિટી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ માટે નેવાર્કના સિટી હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતી વખતે નિત્યાનંદે અમેરિકાના 30થી વધુ શહેરો સાથે કૈલાસાના કરારનો દાવો કર્યો હતો.