Today Gujarati News (Desk)
ગુજરાત વિધાનસભામાં દારૂબંધીને લઈને શાશક અને વિપક્ષ વચ્ચે આકરા શાબ્દિક પ્રહારો થયા હતાં. ગૃહમાં દારૂ અને નશીલા દ્વવ્યો પકડાયા તેના આંકડા જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયાં હતાં. સરકારે રાજ્યમાં દારૂ પકડાવાના આંકડા જાહેર કરતાં જ દારૂબંધીના કાયદાનો અમલ નિષ્ફળ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. સરકારે આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 640 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ, બિયર, દેશી દારૂ અને અન્ય નશીલા દ્વવ્યો પકડાયા છે.
3716 આરોપીઓની ધરપકડ કરવાની બાકી
સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાંથી બે વર્ષમાં વિદેશી દારૂની 197 કરોડ 56 લાખ 21 હજાર 59 રૂપિયાની કિંમતની 51 કરોડ 48 લાખ પાંચ હજાર 345 બોટલો પકડાઈ છે. તે ઉપરાંત 3 કરોડ 99 લાખ 95 હજાર 154 રૂપિયાની કિંમતનો 1 કરોડ 80 હજાર 465 લિટર દેશી દારૂ પકડાયો છે. જ્યારે 10 કરોડ 51 લાખ 46 હજાર 161 રૂપિયાની કિંમતની 2 કરોડ 99 લાખ 95 હજાર 154 બોટલ બિયરની પકડાઈ છે. આ સિવાય 62 અબજ એક કરોડ 28 લાખ 76 હજાર 274 રૂપિયાની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે.આ ગુનાઓમાં સંડોવાયેલા 3716 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.