Today Gujarati News (Desk)
કેન્દ્ર સરકારે આજે મંગળવારના રોજ રાજ્યસભામાં જણાવ્યુ કે નોટબંધીના સમયે મરવા વાળાઓની સંખ્યા બાબતે કોઈ ચોક્કસ સરકારી રિપોર્ટ પ્રાપ્ત થયો નથી. તૃણમુલ કોંગ્રેસના સભ્ય અબીર રંજન વિશ્વાસે સરકારને વિમુદ્રિકરણના કારણે મરનારોઓ વિશે જાણકારી માંગી હતી. તેમણે સરકાર પાસે આ પ્રશ્નનો જવાબ માંગ્યો હતો, અને સાથે એમ પણ કહ્યુ હતુ કે જો તમારી પાસે આનો જવાબ નથી તો કોની પાસે છે? વિશ્વાસે સરકારને એ પણ પુછ્યુ હતુ કે, શુ સરકાર માને છે કે નોટબંધીનો આ ખોટા નિર્ણયથી કેટલાય નિર્દોશ લોકોના મોત થયા તેના જવાબદાર તમે છો?
રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ આ પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે, એવો કોઈ સરકારી રિપોર્ટ પ્રાપ્ત થયો નથી. જોકે 18 ડિસેમ્બર 2018 ના તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં જ આંકડા જણાવ્યા હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય એલામારામ કરીમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં અરુણ જેટલીએ સ્વીકાર કર્યો હતો કે નોટબંધીની સમયગાળામાં 4 લોકોના મોત થયા હતા. જેને લઈને વિપક્ષોએ અસહમતિ દર્શાવી હતી. અને મૃતકોની સંખ્યા આનાથી વધારે હોવાનો દાવો કર્યો હતો.
કરીમે નોટબંધી મામલે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, નોટબંધીના સમયે 500 અને 1000ની નોટો બદલાવા માટે ઘણા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાથી, માનસિક હાલત ખરાબ થવાથી, કામમાં દબાણ આવવાથી બેંકના કર્મચારી સહિત કેટલા લોકોના મોત થયા છે.? તેમજ શુ તેમના પરિવારને કોઈ સહાય કરવામાં આવી છે કે કેમ?, આ પ્રશ્નના જવાબમાં અરુણ જેટલીએ સ્વીકાર કર્યો હતો કે ભારતીય સ્ટેટ બેંક સિવાય બીજી બધી સાર્વજનિક ક્ષેત્રોમાં શુન્ય સુચના આપવામાં આવી છે. અને મૃતકોના પરિવારને 44,06,869 રુપિયાથી વધારેની સહાચ કરવામાં આવી છે. જેમા ગ્રાહકોના પરિવારને આપવામાં આવેલ ત્રણ લાખ રુપિયા સામેલ છે.