Today Gujarati News (Desk)
દેશમાં વર્ષ 2040 સુધીમાં કેમિકલની સ્થાનિક માંગ $1,000 અબજ પર પહોંચે તેવી સંભાવના હોવાથી આગામી બે દાયકાઓમાં ભારત વૈશ્વિક વપરાશમાં પાંચમાં ક્રમાંકે પહોંચશે તેવો અંદાજ મેકકિન્સે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મેકકિન્સેના રિપોર્ટ “ઇન્ડિયા: ધ નેક્સ્ટ કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ હબ’ અનુસાર છેલ્લા એક દાયકા દરમિયાન દેશની કેમિકલ ઇન્ડસ્ટ્રી માંગમાં વૃદ્ધિ તેમજ શેરધારકોની સંપત્તિના સર્જનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં અવ્વલ સાબિત થઇ છે.
આગામી સમયમાં ઇન્ડસ્ટ્રી વપરાશ તેમજ વૈશ્વિક પરિદૃશ્યમાં ઉત્પાદનના સંદર્ભે પણ પ્રભુત્વ સાથેની ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. સેક્ટર વર્ષ 2021-27 દરમિયાન સેક્ટર 11-12 ટકાની તેમજ વર્ષ 2027-40 દરમિયાન 7-10%ની વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. ભારત આગામી બે દાયકામાં કેમિકલના વૈશ્વિક વપરાશમાં 20 ટકાથી વધુ હિસ્સો ધરાવતું હશે. સ્થાનિક વપરાશ અને માંગ પણ વર્ષ 2021ના $170-180 અબજથી વધીને વર્ષ 2040 સુધીમાં $850-1000 અબજ પર પહોંચવાની શક્યતા છે. બાયોફ્રેન્ડલી પ્રોડક્ટ્સની વધતી માંગથી ભારતને ફાયદો થઇ શકે છે, કારણ કે આ પ્રકારની પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલના ઉત્પાદનમાં ભારત પણ ટોચના ઉત્પાદકોમાંથી એક છે.