Today Gujarati News (Desk)
બોલિવૂડ અભિનેતા સતીશ કૌશિક પહેલા માળે તેમના રૂમમાં હતા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો થયો હતો. દુઃખાવાના કારણે તેઓ પહેલા માળેથી નીચે ઉતરીને પોતાની પોર્ચે કારમાં બેઠા હતા. આ વાતનો ખુલાસો ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાને સ્કેન કર્યા બાદ થયો છે. કપાસહેડા પોલીસ સ્ટેશને ફાર્મ હાઉસમાંથી CCTV કેમેરાના DVR કબજે કરી લીધા છે. ઉપરાંત આ મામલાની તપાસ માટે એક ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ 8 સભ્યોની ટીમ બનાવાઈ છે. આ ટીમે રવિવારે ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી.
સતીશ કૌશિકનો હોળી પાર્ટીમાં ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હિન્દી ગીત પર ઝુમી રહ્યા છે. તેમણે સફેદ કુર્તો અને પાયજામો પહેર્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકો ડાન્સ કરતા નજરે પડે છે. કહેવાઈ રહ્યું છે કે, સતીષ કૌશિકે પાર્ટીમાં લગભગ 45 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હોળી પાર્ટીમાં 20થી 22 વ્યક્તિઓ હતા. 3 વાગ્યે પાર્ટી પૂર્ણ થઈ હતી. તમામ લોકો ફાર્મહાઉસમાંથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાના ઘરે જતા રહ્યા હતા. સતીશને બપોરે 12.10 વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમણે તેમના મેનેજરને દુઃખાવા અંગેની જાણ કરી હતી. મેનેજરની મદદ લઈ તેઓ સીડી પરથી નીચે આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સતીશના રૂમમાંથી ડાયઝિન અને પેટ સાફ કરવાનીની બોટલ મળી હતી. ઉપરાંત બ્લડપ્રેશર અને સુગરની દવાઓ પણ મળી છે. જો કે આ દવાઓ તેમના મેનેજર પાસે રહે છે. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે, અભિનેતા સતીશ કૌશિક ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મની ડીલ માટે તેઓ વિકાસ માલુ સાથે વાત કરવા ફાર્મ હાઉસ ગયા હતા. સૂત્રો મુજબ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. જણાવાઈ રહ્યું છે કે, એડિ. પોલીસ રાજીવ કુમાર અને ACP વી.કે.પી.એસ.યાદવની ટીમ શનિવારે પોલીસ હેડક્વાર્ટર ગઈ હતી અને શરૂઆતનો તપાસ અહેવાલ સોંપ્યો હતો.