Today Gujarati News (Desk)
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યુ છે. એક તરફ મંદિરનું નિર્માણ યુદ્ધ સ્તરે ચાલી રહ્યુ છે તો બીજી તરફ દૂર-દૂરથી શ્રદ્ધાળુ રામલલાના અસ્થાયી મંદિરમાં દર્શન પૂજન કરી રહ્યા છે.
દર્શન પૂજન કરવા દરમિયાન શ્રદ્ધાળુઓને ઘણા નિયમોનું પાલન કરવુ પડે છે. આજે આ જ નિયમો વિશે તમને જણાવીશુ, જેથી તમે સરળતાથી રામલલાના દર્શન કરી શકો. ક્યારેક શ્રદ્ધાળુઓને એ ખબર રહેતી નથી કે ભગવાન રામના દર્શન માટે કેવી રીતે અને ક્યાંથી શું-શું લઈને જઈ શકાય છે. આ કારણે મુશ્કેલી વેઠવી પડે છે.
શું છે નિયમ?
સુરક્ષાના કારણોસર રામ જન્મભૂમિ પરિસરમાં જવા માટે તમને તન-મન અને ધન લઈ જવાની જ અનુમતિ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા રામ જન્મભૂમિ પરિસરમાં ઈલેક્ટ્રોનિક સામાન, ઘડિયાળ, મોબાઈલ, ઈયરફોન, રિમોટની ચાવી વગેરે વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. એટલુ જ નહીં, રામલલાના દર્શન માટે જતા માર્ગ પર અમુક બેરિયર પર ચેકિંગ કરવામાં આવે છે. આ દરમિયાન તમારી પાસે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તમારે પરત ફરવુ પડી શકે છે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તા જણાવે છે કે રામલલાના દર્શન કરવાનો સમય નક્કી છે. પ્રથમ સમય સવારે 7થી 11.30 સુધી અને સાંજે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી રામલલાના દર્શન શ્રદ્ધાળુઓ કરી શકે છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પ્રકારની રોક-ટોક કરવામાં આવતી નથી પરંતુ દર્શન કરતી વખતે તેમણે ઘડિયાળ, મોબાઈલ, ઈયરફોન, રિમોટની ચાવી સહિત અન્ય ઈલેક્ટ્રોનિક સામાન વગેરે સુરક્ષાના કારણોસર દર્શન દરમિયાન સાથે લઈ જવા પર પ્રતિબંધ છે.
પ્રકાશ ગુપ્તાએ જણાવ્યુ કે તમે રામલલાના દર્શન માટે જતી વખતે રૂપિયાની સાથે એટીએમ કાર્ડ પણ લઈ જઈ શકો છો. એટલુ જ નહીં શ્રદ્ધાળુઓની ઘણા સ્થળે બેરિયર પર ચેકિંગ કરવામાં આવે છે. જો ઈલેક્ટ્રોનિક સામાન હોય તો તેમને પાછા વળવુ પડે છે. સાથે જ તેમણે અપીલ કરી છે કે તમામ શ્રદ્ધાળુઓ નિયમનું પાલન કરતા પોતાના આરાધ્યના દર્શન પૂજન માટે પહોંચે.