Today Gujarati News (Desk)
અંબાજીમાં વર્ષોથી અપાતો મહાપ્રસાદ મોહનથાળ બંધ કરી ચિક્કી કરવાના નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં ભક્તો રોષે ભરાયા છે. તો વિવિધ સંસ્થાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે અંબાજીના મહાપ્રસાદનો વિવાદ હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારીઓ કરાઈ છે. જો મોહનથાળ પ્રસાદ ફરી શરૂ ન કરાય તો દાંતાના મહારાજા પરમવીર સિંહે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
અંબાજીમાં ભક્તોને વર્ષો અપાતો પ્રસાદ મોહનથાળ બંધ કરવામાં આવતા દાતાના મહારાજા પરવીર સિંહ નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે આ મામલો હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી દર્શાવી છે. મહારાજા પરમવીર સિંહે જણાવ્યું કે, અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળને લઈ રાજ્યભરના ભક્તોની આસ્થા હવે ખુટી છે. અંબાજી મંદિરમાં 900 વર્ષથી ચાલતી પરંપરા બંધ કરવી યોગ્ય નથી,પરંપરા બંધ કરવાનો કોઈને અધિકાર પણ નથી. તેમણે વર્ષોથી અપાતો મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી છે. દાતાના મહારાજાએ અંબાજી મંદિરમાં મહાપ્રસાદ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત કરી છે.
દરમિયાન અંબાજી મંદિરના મુખ્ય પુજારીએ પણ મોહનથાળ માત્ર મિઠાઈ હોવાના નિવેદન બાદ ભકતોમાં રોષ ફેલાયો છે. ત્યારે અંબાજીમાં આવતા ભક્તો પણ મુખ્ય પુજારીના નિવેદનને વખોડી કાઢ્યું છે અને મોહનથાળને જ પ્રસાદ ગણાવા જણાવ્યું છે. રોષે ભરાયેલા ભક્તો પૂજારીને સવાલ કરી રહ્યા છે કે, આટલા વર્ષો બાદ રહી રહીને તમને ક્યાંથી જ્ઞાન થયું કે, મોહનથાળ પ્રસાદ નથી… ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.