Today Gujarati News (Desk)
સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝાના વધતા પ્રકોપ વચ્ચે, ભારતના ઓડિશાથી સમાચાર સામે આવી રહ્યા છે કે બે મહિનામાં જ H3N2ના 59 કેસની પુષ્ટિ થઈ છે. ઓડિશાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે 225 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વાયરસને કારણે દેશમાં બે મોત પણ થયા છે. ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસના કારણે થયેલા આ મૃત્યુ બાદ કેન્દ્ર સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને નીતિ આયોગે પણ આ સંદર્ભે બેઠકો યોજી છે અને રાજ્યોને પૂરતી દવા, ઓક્સિજન, બેડ, રસીકરણ અને અન્ય તબીબી સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
H3N2ના ઝડપથી વધી રહ્યા છે કેસ
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, H3N2 એ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે સામાન્ય રીતે ડુક્કરમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તેના લક્ષણો સિઝનલ ફ્લૂ વાયરસ જેવા જ છે. તે તાવ અને ઉધરસ અને ગળફા સહિત શ્વસન સમસ્યાઓના લક્ષણો દર્શાવે છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને શરીરનો દુખાવો, ઉબકા, ઉલટી કે ઝાડા સહિતની અન્ય સમસ્યાઓ પણ થાય છે.ભુવનેશ્વરમાં પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના નિર્દેશક સંઘમિત્રા પાટીએ જણાવ્યું હતું કે, ઓડિશામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એકત્રિત કરવામાં આવેલા 225 નમૂનાઓમાંથી કુલ 59 કેસ H3N2 ઈન્ફલ્યુએન્ઝા ચેપના હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે તેના લક્ષણો મોસમી ફ્લૂ વાયરસ જેવા જ છે અને તેમાં તાવ અને ઉધરસનો સમાવેશ થઈ શકે છે.