Today Gujarati News (Desk)
હિંડેનબર્ગ રિસર્ચ ફર્મનો રિપોર્ટ સામે આવ્યા બાદથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું અદાણી ગ્રૂપ ભારે નુકસાન વેઠી ચૂક્યું છે. જેના પછી એવી પણ માહિતી સામે આવી હતી કે અદાણી ગ્રૂપની કંપનીઓમાં સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)અને સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું જંગી રોકાણ હતું. આ દરમિયાન સરકારે LICના વર્તમાન ચેરમેન એમ.આર. કુમારનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કરી દીધો છે.
સરકાર દ્વારા સિદ્ધાર્થ મોહંતીને એલઆઈસીના નવા વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. તે 14 માર્ચથી આ પદભાર સંભાળશે. હાલમાં તેમની નિમણૂક 3 મહિના માટે કરાઈ છે. સિદ્ધાર્થ મોહંતી હાલમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઈઓ છે. મોહંતીને 1 ફેબ્રુઆરી 2021ના રોજ આ પદ મળ્યું હતું. તેમણે ટી.સી. સુશીલ કુમારનું સ્થાન લીધું હતું. સિદ્ધાર્થ મોહંતી 30 જૂન 2023 સુધીમાં નિવૃત્ત થવાના છે અને ત્યાં સુધી તેઓ આ પદે જળવાઇ રહેશે.
એલઆઈસી તરફથી શેરબજારને જાણ કરાઈ હતી કે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે સિદ્ધાર્થ મોહંતીને કંપનીના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. એલઆઈસીના તેમના મેનેજિંગ ડિરેક્ટરની ફરજોમાંથી આ એક અલગ ચાર્જ હશે. તેઓ 14 માર્ચ 2021થી વચગાળાના અધ્યક્ષ તરીકે કામ કરવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે એલઆઈસીએ અદાણી જૂથની કંપનીઓમાં 30,127 કરોડનું રોકાણ કર્યું છે.