Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બજેટ પછી યોજાનાર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું અને નાણાકીય ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે મોટી વાતો કરી હતી. નાણાકીય સમાવેશથી લઈને દેશના બેન્કિંગ ક્ષેત્ર અને આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી હતી. GSTને કારણે, ભારતમાં ટેક્સ ઘણો ઓછો થયો છે, જેનો સીધો જ લાભ નાગરિકોને મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ચમકતો તારો કહેવામાં આવી રહ્યો છે અને દેશ G-20ના પ્રમુખપદની જવાબદારી પણ નિભાવી રહ્યો છે. વર્ષ 2021-22માં ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ FDI પ્રાપ્ત થયું છે.
પીએમ મોદીએ RuPay અને UPIનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ અર્થવ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું હતું કે, RuPay અને UPIએ ફક્ત ટેકનોલોજી જ નથી, તેણે વિશ્વમાં આપણી ઓળખ ઉભી કરી છે. ભારત આર્થિક અનુશાસન, પારદર્શિતા અને સર્વસમાવેશક અભિગમ તરફ આગળ વધી રહ્યું છે, તેથી આપણે એક મોટો બદલાવ પણ જોઈ રહ્યા છીએ. આપણે વિવિધ ભૌગોલિક વિસ્તારો અને આર્થિક ક્ષેત્રોની પ્રગતિ માટે કાર્યરત ખાનગી ક્ષેત્રને પણ મહત્તમ સમર્થન આપવું પડશે. એક સમયે આ વાત સર્વત્ર પ્રચલિત હતી કે ભારતમાં ટેક્સનો દર કેટલો ઊંચો છે, પરંતુ આજે ભારતમાં સ્થિતિ બદલાય ગયેલી જોવા મળે છે.
બેંકિંગ સિસ્ટમ અંગે પીએમ મોદીએ કહ્યું કે, ભારતની બેંકિંગ સિસ્ટમનો લાભ શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવો જોઈએ. આ સરકારની નીતિઓની અસર છે કે નાણાકીય સમાવેશની પહેલનો લાભ કરોડો લોકો સુધી પહોંચ્યો છે અને તેઓ પરંપરાગત આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભરતા મિશન માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોઈ રહ્યા છીએ. ભારત પાસે પ્રતિભા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેટર્સ છે જે આપણી નાણાકીય વ્યવસ્થાને ટોચ પર લઈ જઈ શકે છે.