Today Gujarati News (Desk)
રાજકોટમાં રવિવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બાદમાં અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં.
રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજી બાજુ, રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતાં જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ડૂલ થઈ ગઈ હતી. રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયો હતો. આ ઉપરાંત HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો.