Today Gujarati News (Desk)
પ.બંગાળમાં કોંગ્રેસના પ્રવક્તા કૌસ્તવ બાગચીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. શનિવારે સવારે પોલીસે તેમની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.
વહેલી સવારે પોલીસની ટીમ પહોંચી
માહિતી અનુસાર બર્ટોલા પોલીસ સ્ટેશનની એક મોટી ટીમે પ.બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બૈરકપુર સ્થિત બાગચીના નિવાસે સવારે ૩ વાગ્યે દરોડાની કાર્યવાહી કરી અને તેમની ધરપકડ કરી લીધી હતી. મુખ્યમંત્રી વિરુદ્ધ કથિત ટિપ્પણી મામલે શુક્રવારે બર્ટોલા પોલીસે બાગચી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો શરૂ કર્યા
બાગચીની ધરપકડ સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો શરૂ કરી દીધા હતા. તેઓ પોલીસ સ્ટેશનની સામે એકઠાં થઈ ગયા હતા. બાગચી પર આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે જેમાં 120(બી) (ગુનાઈત કાવતરું), 504 (શાંતિ ભંગ કરવાના ઈરાદે જાણીજોઈને અપમાન), 506(ગુનાઈત ધમકી) અને અન્ય કલમો સામેલ છે.