Today Gujarati News (Desk)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની નાણાનું ધિરાણ કરતી મોબાઇલ એપ વિરુદ્ધની મની લોન્ડરિંગ તપાસ હેઠળ ગુજરાતની કેટલીક કંપનીઓમાં તપાસ હાથ ધરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને ૨૫ લાખ રૂપિયા રોકડા, ૧૦ કરોડ રૂપિયાનું સોનું અને હીરા જપ્ત કર્યા હતાં.ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર સુરત સેઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન), અમદાવાદ અને મુંબઇમાં સાગર ડાયમંડ્સ લિમિટેડ, આરએચસી ગ્લોબલ એક્સપોેર્ટ્સ લિમિટેડ, તેમના ડાયરેક્ટર વૈભવ દીપક શાહ અને તેમના સાથીઓના ૧૪ પરિસરોમાં દરોડા પાડયા હતાં. હજારો સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરનાર પાવર બેંક એપ (મોબાઇલ એપ્લિકેશન) વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલ ક્રિમિનલ કેસની તપાસ સાથે આ કેસ સંકળાયેલ છે. ઇડીએ વધુમાં જણાવ્યું છે કે નાણાનું ધિરાણ કરતી આ એપનું સંચાલન ચીનના નાગરિકો ભારતમાં તેમના સાથીઓ વૈભવ દીપક શાહ અને સાગર ડાયમંડ લિમિટેડની સાથે મળીને કરતા હતાં.
ઇડીના જણાવ્યા અનુસાર ૨૫ લાખ રૂપિયાની રોકડ, ૧૦ કરોડ રૂપિયાના હીરા અને સોનું તથા અન્ય કીંમતી વસ્તુઓ ઉપરાંત ડિજિટલ ડિવાઇસ અને નકલી આયાત અને નિકાસ સાથે સંકળાયેલા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.