Today Gujarati News (Desk)
પંજાબમાં બધુ ઠીક હોય તેવા સંકેત નથી મળી રહ્યા. પંજાબના મુખ્યમંત્ર ભગવંત માને ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત આશરે 40 મિનિટ સુધી ચાલી હતી. તેમાં પાકિસ્તાનથી થતી ડ્રગ્સની દાણચોરી અંગે ચર્ચા થઈ હતી. સાથે જ સરહદે મજબૂત સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય બનાવવા અંગે પણ ચર્ચા થઇ હતી.
હવે એવી પણ માહિતી સામે આવી છે કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષાદળોની 50 કંપનીઓ પંજાબ મોકલવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓ ઝારખંડથી પંજાબ પહોંચશે. તેમાં સીઆરપીએફની 10, આરએએસફની 8, બીએસએફની 12, આઈટીબીપીની 10 અને એસએસબીની 10 કંપનીઓ સામેલ છે.
મુખ્યમંત્રી ભગવંત માને ગૃહમંત્રીને કહ્યું કે પાકિસ્તાન તેની નાપાક હરકતોનું વારંવાર પુનરાવર્તન કરી રહ્યું છે. તે ડ્રગ્સ માફિયાઓને છાવરે છે. અનેક ઘાતક ગેંગસ્ટરોની ધરપકડ કરાઈ છે. સૌથી મોટી વાત એ છે કે આ બેઠકમાં અમૃતપાલ સિંહના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. તાજેતરમાં તેના સમર્થકોએ અજનાલામાં એક પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ પહેલા પંજાબના રાજ્યપાલ બી.એલ.પુરોહિતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સંકેત સ્પષ્ટ છે કે દેશવિરોધી પ્રવૃત્તિઓને સાંખી નહીં લેવાય.