Today Gujarati News (Desk)
CNG પંપ ચાલકોની હડતાળની જે ચર્ચા હતી તેના પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. પંપ ચાલકો દ્વારા હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સીએનજી પંપ પર અગાઉ હડતાળ મૂકવાની જાહેરાત કરી હતી. કમિશન વધારવાની માંગ સાથે આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જોકે, હવે શુક્રવારથી હડતાળ પર જવાનો પ્લાન મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ચોક્કસ સમયમાં નિર્ણય નહીં લેવાય તો ફરી એકવાર હડતાળની જાહેરાત કરવામાં આવી શકે છે.
સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો જોકે, તેના કમિશનમાં વધારો કરવાની માંગ અને રજૂઆતો બાદ નિર્ણયના લેવાતા રાજ્યના સીએનજી સંચાલકો દ્વારા હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે, હવે તે નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો છે. એટલે કે રાજ્યના તમામ સીએનજી પંપ ચાલુ જ રહેશે.
સીએનજી વેચાણનું માર્જિન છેલ્લા 55 મહિનાથી વધ્યું નથી. ડિલર્સ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆત ધ્યાને ના લેવાતા હડતાળ પર ઉતરવાનો સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જે માર્જિનનો પ્રશ્ન છે તેના નિરાકરણ માટે વચ્ચેનો રસ્તો કાઢીને તેના માટે સમય માગવામાં આવ્યો છે. આ પછી ડિલર્સ દ્વારા હડતાળનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.