Today Gujarati News (Desk)
18 ફેબ્રુઆરીના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા નજીક રસ્તા વચ્ચે ત્રણ કાર ચાલકોએ એક કારચાલકને રોક્યો હતો. બે લોકો કારચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાંથી જ્વેલરીનો સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આ સમયે આશરે 1400 કિલોની ચાંદી તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ હતી. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરીને ફરાર થયેલા લૂંટારાને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયાં છે. જ્યારે 12 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.
ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લૂંટારાઓને શોધવાનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રાઈમ બ્રાંચે ઓપરેશન ડીપ સર્ચ શરૂ કરીને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરીને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ માધ્યમથી તેમને હકીકત જાણવા મળી હતી કે, લૂંટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરીને ગયા હતાં તે ટ્રકની ઓળખ થતાં ટ્રનો માલિક દમણનો હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ દમણમાં તપાસ કરતાં ટ્રકને મધ્યપ્રદેશમાં વેચી માર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ગુનામાં જીતેન્દ્ર બાબુલાલ ઝાઝા તથા રામમૂર્તિએ તેમના સાગરીતો સુનીલ, હેમરાજ ઝાલા, સુરેશ ગંજા, સતિષ દાઢી તથા કમલ પટેલ મળીને ચાંદી તથા ઈમિટેશન જ્વેલરીની લૂંટ કરી હતી.