Today Gujarati News (Desk)
હોળીથી પહેલા ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને મોટો આંચકો આપતા એલપીજી ગેસના ભાવમાં વધારો ઝિંક્યો છે. કોમર્શિયલ અને ઘરેલુ બંને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં 8 મહિના પછી વધારો કરાયો છે. હવે ઘરેલુ ગેસ સિલિન્ડર તમને 50 રૂપિયા વધારે મોંઘુ પડશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 350 રૂપિયા સુધી વધારાયા છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને ગેસના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર તાજેતરના મહિનાઓમાં સસ્તું થઈ રહ્યું હતું. જ્યાં સુધી રાંધણ ગેસની કિંમતોનો સવાલ છે 6 જુલાઈ 2022 બાદથી જ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર હતા. હવે બે મહિના બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ એકસાથે 350 રૂ.નો વધારો કરાયો છે.
હવે કેટલામાં મળશે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર?
LPG સિલિન્ડરના ભાવ વધ્યા બાદ દિલ્હીમાં હવે કોમર્શિયલ LPG સિલિન્ડર 1769 રૂપિયાની જગ્યાએ હવે 2119.5 રૂ.માં મળશે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 1870 રૂપિયાથી વધીને હવે 2221.5 રૂ. થઈ ગઈ છે. મુંબઈમાં આ ગેસ સિલિન્ડર 1721 રૂ.થી વધીને હવે 2071.50 રૂ.નું થઈ ગયું છે. જ્યારે ચેન્નઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 2268 રૂ.માં મળશે જે અગાઉ 1917 રુ.માં મળતું હતું.