Today Gujarati News (Desk)
વિશ્વભરમાં મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે તેવામાં મોટી કંપનીએમાં છટણીનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિશ્વભરની મોટી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે છે. આ યાદિમાં વધુ એક મોટી કંપનીનું નામ સામેલ થયું છે. ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની યોજના બનાવી છે અને તેની જાહેરાત કરી છે. ખર્ચમાં કપાતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.એક ખાનગી એજન્સીના અહેવાલ મુજબ સ્વીડિશ ટેલિકોમ નિર્માતાએ વૈશ્વિક સ્તરે 8 હજાર 500 કર્મચારીઓની છટણીની યાદી તૈયાર કરી છે. આ અંતર્ગત 1400 કર્મચારીઓની નોકરી માત્ર સ્વીડન જઈ શકશે. છટણીના આ મોટા નિર્ણય બાદ એરિક્સન હવે ગૂગલ, મેટા અને માઈક્રોસોફ્ટ, અલીબાબા, એમેઝોન જેવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ કંપનીઓએ હજારો કર્મચારીઓને પણ કાઢી મુક્યા હતા.
મોટાભાગના કર્મચારીઓ આ વર્ષે બહાર થશે
એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022ના અંત સુધીમાં કંપની પાસે કુલ 1,05,000 કર્મચારીઓની સંખ્યા હતી. હવે તેમાંથી 8,500 કાપવામાં આવી રહ્યા છે. વૈશ્વિક મંદી અને ફુગાવાના ભય વચ્ચે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે એક પછી એક છટણીના નિર્ણયો લઈ રહી છે. એરિક્સન તરફથી છટણી અંગે કહેવામાં આવ્યું છે કે આ વર્ષના પ્રથમ છ મહિનામાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. અને બાકીના કર્મચારીઓને 2024માં બરતરફ કરવામાં આવશે.