Today Gujarati News (Desk)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચૂંટણી રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે મેઘાલયની રાજધાની શિલાંગમાં એક રોડ શો કર્યો હતો. જેના પછી તેમણે તુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. મેઘાલય અને નાગાલેન્ડમાં 60 વિધાનસભા સીટો માટે 27 ફેબ્રુઆરાના રોજ ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ શિલાંગની જનસભામાં કહ્યું કે, પૂર્વોતરમાં લોકોને વહેંચવાની કોશિશ કરવામાં આવી, અમે તેમને સાથે લાવ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે જેવી રીતે તમે જાનદાર અને શાનદાર રોડ શો કર્યો છે… તમારો આભાર, તમારો આ પ્રેમ અને તમારો આ આશિર્વાદ… હું તમારૂં આ ઋણ જરૂરથી ઉતારીશ. તમારા આ પ્રેમ અને આશિર્વાદના ઋણને મેઘાલયનો વિકાસ કરીને ચૂકવીશ. તમારા કલ્યાણના કામને ગતિ આપીને ચૂકવીશ. તમારા આ પ્રેમને હું બેકાર નહીં જવા દઉ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મેઘાલય કેન્દ્ર સરકારની એક્ટ ઇસ્ટ પોલીસોનો સ્તંભ બની રહ્યું છે. મેઘાલય હવે એવી સરકાર ઇચ્છી રહ્યું છે જે પોતાના પરિવારની નહીં પણ લોકોનું ધ્યાન રાખે. મેઘાલયના ખુણે-ખુણે રચનાત્મક્તા છે, પોતાના રાજ્યની સંસકૃતિ પર ગર્વ કરનારા લોકો છે. ભારત સફળતાની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે અને મેઘાલય તેમા મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના નેતાઓ પર વ્યંગ કસ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જેમને દેશના લોકોએ નકારી કાઢ્યા છે તેઓ ઉદાસીમાં ડૂબેલા છે અને હવે કહી રહ્યા છે કે, ‘મોદી તારા કબર ખોદાશે’, પરંતુ દેશની જનતા કહી રહી છે કે ‘મોદી તમારૂ કમળ ખિલશે’. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી કોંગ્રેસ નેતાઓ દ્વારા દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર કરવામાં આવેલ નારાબાજી બાદ આવી છે.