Today Gujarati News (Desk)
પીએમ મોદી શુક્રવારે નાગાલેન્ડના દીમાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા. અહીં રાજ્યના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ તેમનું ખાસ રીતે તેમનું સ્વાગત કરતાં તેમને એક ભાલો ભેંટ કર્યો હતો. અહીં કોંગ્રેસ શાસન દરમિયાન નાગાલેન્ડમાં રાજકીય અસ્થિરતાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીએ પૂર્વોત્તરને દિલ્હીથી રિમોટ કન્ટ્રોલથી નિયંત્રિત કરી અને દિલ્હીથી દિમાપુર સુધી વંશવાદની રાજનીતિને પ્રાથમિકતા આપતા તેના વિકાસ માટે ફાળવાયેલા ફંડની હેરફેર કરી હતી. પીએમ મોદીને ભેટ કરેલા ભાલાની વિશેષતા પર એક નજર
ખરેખર નાગાલેન્ડના લોકોને તેમના હથિયાર ખૂબ જ પસંદ હોય છે અને તે એટલા માટે કેમ કે ભૂતકાળમાં તેમનું જીવન આ હથિયારો પર જ ટકેલું હતું. ભાલા અને દાવ નાગાવાસીઓના સૌથી પ્રસિદ્ધ હથિયાર છે. ભાલાને લોખંડથી બનાવાય છે અને તેનો ઉપયોગ શિકાર અને યુદ્ધ માટે કરવામાં આવે છે. ખાસ અવસરો પર વપરાતા આ ભાલાની શાફ્ટને બકરીના વાળથી શણગારાય છે. પીએમ મોદી આ દરમિયાન નાગાલેન્ડના પરંપરાગત આદિવાસીઓના પોશાકમાં જોવા મળ્યા હતા.
કહ્યું – ભાજપ ક્ષેત્રના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મી માને છે
પીએમ મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસ પૂર્વોત્તરને એટીએમની જેમ ઉપયોગમાં લેતી હતી. જોકે ભાજપ ક્ષેત્રના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મી માને છે અને અહીં શાંતિ તથા વિકાસ માટે કામ કરી રહ્યો છે. દીમાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે એનડીએ નાગાલેન્ડમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે જેથી રાજ્યમાંથી સશસ્ત્ર દળ(વિશેષ સત્તા) એક્ટ 1958ને સંપૂર્ણપણે હટાવી શકાય.