Today Gujarati News (Desk)
સુરત શહેર પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. સુરત પોલીસે 85 વર્ષની વૃદ્ધાને પોતાનું ઘર વ્યાજખોરોની ચુંગાલમાંથી પરત અપાવ્યું છે. ઉપરાંત એક લાખ રૂપિયાની ઘરવખરી પણ આ વૃદ્ધાને વસાવી આપી છે. કોણ છે આ વૃદ્ધા, કઈ રીતે પરત મળ્યું ઘર?સુરતના સવિતાબેનની ઉંમર 85 વર્ષ છે અને શરીરે તેઓ અશક્ત પણ છે. 2020માં કોરોના કાર્ડ દરમિયાન તેમના પુત્રનું આરોગ્ય બગડ્યું હતું અને ત્યાર બાદ પુત્રનું મૃત્યુ થયું હતું. પુત્રની સારવાર માટે સવિતાબેનની વહુ લીલાબેને પોતાના સંબંધિત પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. રૂપિયા એક લાખ લીધા બાદ મીરાબેન નોકરી કરીને ધીમે-ધીમે આ રૂપિયા પરત આપતા હતા, પરંતુ જેની પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા તેણે આવીને આ મકાન ખાલી કરાવી દીધું હતું. મકાન ખાલી થતા નિરાધાર બનેલા સવિતાબેન પોતાની પુત્રીને ત્યાં રહેવા જતા રહ્યા હતા. જોકે, સરકાર દ્વારા વ્યાજખોરો સામે શરૂ કરવામાં આવેલી મોહિમની જાણકારી સવિતાબેન અને તેમની પુત્રવધુને મળતા તેમણે સુરત અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. અડાજણ પોલીસે પણ માનવીય અભિગમ દાખવીને આ વૃદ્ધાને મકાન અપાવવા માટે તમામ મદદ કરી હતી.
સુરત શહેર અડાજણ પોલીસ દ્વારા તુરંત વ્યાજે રૂપિયા આપનારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંપર્ક કર્યા બાદ પોલીસે સમજાવટનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે બંને પક્ષો વચ્ચે મિટીંગ કરાવીને વૃદ્ધાને તેમનું ઘર આપવા માટેની તૈયારી દર્શાવી હતી. વૃદ્ધાને તેમનું ગયેલું ઘર તો પરત મળી ગયુ પરંતુ ઘરમાં વૃદ્ધા પાસે કોઈપણ પ્રકારની ઘરવખરી હતી નહીં. પોલીસે જોયું કે વૃદ્ધા અને તેમની પુત્રવધુ આ ઘરમાં ઘરવખરી વગર કેવી રીતે રહેશે. પોલીસે તુરંત જ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ પાસેથી ફંડ એકત્ર કરીને વૃદ્ધાને ઘરમાં ઘરવખરીની કેટલીક વસ્તુઓ લઈ આપી. વૃદ્ધાને ટીવી, પંખા, પલંગ, ગેસ સિલિન્ડર, ગેસની સગડી અને અનાજ જેવી વસ્તુઓ લઈ આપી હતી. આજે વૃદ્ધાને પોતાનું ઘર મળતા તેમની આંખમાં હર્ષના આંસુ દેખાઈ રહ્યા છે. વૃદ્ધા પણ પોતાની 85 વર્ષની ઉંમરે દીકરીને ત્યાં રહેવાનું ન ગમતું હોવાથી ઘર માટે અરજી કરી હતી અને પોલીસે વ્યાજખોરોની ચુંદાલમાંથી આ ઘર છોડાવી પણ આપ્યું છે. આજે વૃદ્ધ પોલીસ કર્મચારીઓના વખાણ કરવાની સાથે સાથે તેમને દિલથી આશીર્વાદ પણ આપી રહ્યા છે.