Today Gujarati News (Desk)
અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ વધવાના કારણે રોજબરોજ સિંહો ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા હોવાના અનેક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પાર્કિંગમાં 5 જેટલા સિંહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. રાત્રીના સમયે સિંહો શિકારની શોધખોળ કરતા-કરતા ટ્રકના પાર્કિંગ સુધી આવી ચડ્યા હતો. જોકે, અહીં શિકાર નહીં મળતા આખરે દીવાલો ઉપર છલાંગ લગાવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ, નર્મદા સિમેન્ટ સીટેક્ષ કંપની સહિત નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. જે વિસ્તારમાં અવાર-નવાર સિંહો આવી ચડે છે. ત્યારે રાત્રે કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પાર્કિંગમાં શિકારની શોધમાં સિંહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. જોકે, કઈ હાથ ન લાગતા વનના રાજા દિવાલ ઉપર છલાંગ લગાવી ભાગ્યા હતા.