Today Gujarati News (Desk)
અમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી બેફામ પણે ચાલી રહી છે. પોલીસના હાથે અસંખ્ય વખત દારૂ ઝડપાતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો તદ્દન નવો કિમિયો અજમાવ્યો છે. ગોવાથી દારૂ ભરેલી બેગ લઈને આવતા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 50 બોટલ દારૂ ઝડપાયો છે.
પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રજનીકાંત પ્રજાપતિ નામનો ઈસમ ગોવાથી ફ્લાઈટમાં વિદેશી દારૂનો જથ્થો લઈને અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે. ત્યાંથી તે નારણપુરા જયમંગલ બીઆરટીએસ સ્ટોપ ખાતે ઉતરવાનો છે. જેથી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને તેને પકડી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં તેણે પોતાનું નામ રજનીકાંત પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેની પાસેથી એક કાળા રંગની લગેજ બેગ મળી આવી હતી. જેની પર ઈન્ડિગો ફ્લાઈટનું સ્ટીકર લગાવેલું હતું.
69 હજારની 50 બોટલો ઝડપી પાડી
પોલીસે ઝડપાયેલા ઈસમને આ બેગમાં શું છે તેવો સવાલ કરતાં તે ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. પોલીસે બેગના લોકનો પાસવર્ડ પુછતાં તે બરાબર જવાબ આપી નહોતો રહ્યો. ત્યારે બેગનું લોક તોડતા જ તેમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે લીકર પરમીટ માંગતાં તેણે પરમીટ નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી 50 બોટલ દારૂ કબજે કર્યો હતો. જેની કિંમત 69 હજાર રૂપિયા થાય છે.