Today Gujarati News (Desk)
શહેરમાં ઘણાં સમયથી એક વ્યક્તિ લોકોને રૂપિયા 3000માં હરિદ્વાર-ઋષિકેશ-દિલ્હી-આગ્રા-મથુરાનો છ દિવસ અને સાત રાતની તીર્થયાત્રાનું કહીને રૂપિયા લઇ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જો કે, આ વ્યક્તિએ અત્યાર સુધીમાં 1100 કરતાં વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ આરોપી સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેને લઈને પોલીસને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
સુરત શહેરમાં લાંબા સમયથી એક ઠગબાજ દ્વારા અનોખી રીતે ઠગાઈ કરવામાં આવતી હતી. લોકોને અને ખાસ કરીને સિનિયર સિટીઝનોને છ દિવસ અને સાત રાતનું તીર્થયાત્રાનું ટૂર પેકેજ આપી તેમની પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી કરતો હતો. અલગ અલગ વેબસાઈટ પર તે 3000 રૂપિયામાં પ્રવાસ ઉપાડવાનું કહીને અત્યાર સુધીમાં 1100 કરતાં વધુ લોકો પાસેથી રૂપિયા લઈને છેતર્યા હતા.આ મામલે આરોપી વિરુદ્ધ સુરતના અડાજણ, ખટોદરા, અઠવાલાઇન્સ, કાપોદ્રા જેવા પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને પોલીસ ઘણાં સમયથી આરોપીને શોધી રહી હતી. ત્યારે ખટોદરા પોલીસને આ મામલે બાતમી મળી હતી કે, આરોપી અજય રાજેન્દ્ર લુણાવાડિયાના તેના વતન જામનગરમાં છે. તેને આધારે પોલીસે એક ટિમ તેના વતન ખાતે મોકલી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલો આરોપી સુરતના કામરેજમાં આવેલા સ્વપ્ન બીલા સોસાયટીમાં રહેતો હતો. ત્યારે આરોપીએ તબિયત ખરાબ હોવાનું જણાવતા પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.