Today Gujarati News (Desk)
મહાશિવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. શિવ ભક્તોમાં આ તહેવારને લઈને ખૂબ ઉત્સાહ હોય છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ મનાવવામાં આવી રહી છે પરંતુ એક દિવસ પહેલા કાશ્મીરી પંડિતોનો શિવરાત્રિ પર્વ હેરથ શરૂ થઈ જાય છે. એક દિવસ પહેલા જ કાશ્મીરી પંડિતોના ઘરમાં શિવ પૂજાનો આરંભ થઈ જાય છે.
હેરથનો અર્થ શિવ પૂજા છે. આ શિવરાત્રિનો જ ભાગ છે જેમાં શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ભગવાન શિવની જાન સજાવવામાં આવે છે. હેરથ મનાવવા માટે અમુક દિવસ પહેલા જ આની તૈયારીઓ શરૂ થઈ જાય છે. કાશ્મીરી પંડિત પરિવાર પોતાના ઘરની સારી રીતે સાફ-સફાઈ કરે છે. પરિવારની પરિણીત દિકરીઓ આ સમયે પોતાના પિયરે આવે છે અને ત્યાં પોતાના વાળ ધોવે છે. જે બાદ પરિવાર તરફથી પુત્રીઓને ભેટ આપવામાં આવે છે.
કાશ્મીરી પંડિતોમાં હેરથ પર્વ મહાશિવરાત્રિના એક દિવસ પહેલા શરૂ થાય છે. સાંજના સમયે કાશ્મીરી પંડિતોના ઘરમાં પૂજા સ્થળ સજાવવામાં આવે છે. કાશ્મીરી પંડિતો વટુકનાથ (ભગવાન શિવ-પાર્વતી)ના નામથી ઘડા સ્થાપિત કરે છે. આ સિવાય કળશ અને ચાર વાટકીઓ પણ સ્થાપિત કરવામાં આવે છે. આ ભગવાન શિવની જાનનું પ્રતીક હોય છે.
પૂજા થઈ ગયા બાદ બીજા દિવસે સવારે કાશ્મીરી પંડિત પોતાના ઘરના યુવાનોને કંઈકને કંઈક ખર્ચ આપે છે. આને હેરથ ખર્ચ કહેવામાં આવે છે. આ રૂપિયાથી બાળકો પોતાના માટે સામાન ખરીદે છે. યુવાનો આ દિવસે ઘરના લોકોને હેરથ ખર્ચ વિશે યાદ કરાવે છે.
પૂજા બાદ અખરોટ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. ઘરની છોકરીઓને કાશ્મીરી પંડિત અખરોટ સિવાય ચોખાની રોટલીને પ્રસાદ તરીકે આપે છે. આ પ્રસાદનો શિવ-પાર્વતીના જાનૈયા સમક્ષ પણ ભોગ ધરાવવામાં આવે છે.