Today Gujarati News (Desk)
દુનિયાના સૌથી મોટા હેજ ફંડ બ્રિજવોટર એસોસિએટ્સના સંસ્થાપક રે ડાલિયોએ ભારતના અર્થતંત્ર પર જબરદસ્ત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત રેકોર્ડ ગ્રોથ પ્રાપ્ત કરશે. તેમણે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2023માં આ ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું – ભારતનું ભવિષ્ય ઉજ્જવળ
તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ડાલિયોનું આ નિવેદન આઈએમએફ દ્વારા ભારતીય અર્થતંત્રને દુનિયાનું ૫મું સૌથી મોટું અર્થતંત્ર જાહેર કરાયાના અમુક મહિના બાદ આવ્યું છે. આઈએમએફએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જીડીપી)ના આધારે ભારતને દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી ગણાવી હતી.
10 વર્ષની સ્ટડીના આધારે અનુમાન વ્યક્ત કર્યું
ડાલિયોએ કહ્યું કે ગત 10 વર્ષની સ્ટડીના આધારે અમને લાગે છે કે ભારતનો ગ્રોથ રેટ દુનિયામાં સૌથી વધુ રહેશે. દુનિયાના બાકી દેશોની તુલનાએ ભારતમાં સૌથી વધુ પરિવર્તન જોવા મળશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતની સ્થિતિ ખૂબ જ રસપ્રદ છે. અહીં અમુક જ પરિવારોનો પ્રભાવ છે. તે વધારે મુક્ત નથી. અહીં પ્રવેશ કરવો સરળ નથી. પણ તે વધારે સારું કરશે. તેમણે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે પણ ભારત જેવા તટસ્થ દેશો આગળ વધતા રહેશે.