Today Gujarati News (Desk)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનો ચાર્જ સંભાળતા જ હસમુખ પટેલે 100 દિવસની અંદર રદ્દ થયેલ જુનિયર કલાર્કની પરીક્ષા યોજવાની બાંહેધરી આપ્યા બાદ આજે બપોરના સમયે સોશિયલ મીડિયા પર નવી તારીખ અંગેનો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો હતો. જોકે હસમુખ પટેલે પોતે આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ અફવા છે. મંડળે હજી કોઈ તારીખ નક્કી કરી નથી.
પેપરલીક કાંડને પગલે અંતિમ સમયે પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને કારણે લાખો વિદ્યાર્થીઓ રઝળી પડ્યાં હતા પરંતુ હવે આ 9.53 લાખ ઉમેદવારોનો આતુરતાનો અંત જલદી જ આવશે. હસમુખ પટેલે બાંહેધરી આપી હતી કે 100 દિવસની અંદર જ આ પરીક્ષા યોજાશે પરંતુ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી.
29મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા એકાએક મોકૂફ કરવામાં આવી હતી. હજારો-લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પરીક્ષા સેન્ટર પર જવા માટે રવાના થયા હતા અથવા પહોંચ્યા બાદ આ પરીક્ષા રદ્દ કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ એક યુવક પાસેથી આ પરિક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી.