Today Gujarati News (Desk)
જો તમે નજીકના સમયમાં હોમ લોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર દુઃખદાયક સાબિત થશે. ગત 8 ફેબ્રુઆરીએ આરબીઆઈએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. તે બાદ દેશની અનેક ખાનગી અને સરકારી બેન્કોએ તેમના લેન્ડિંગ રેટમાં વધારો કરી દીધો હતો. આ દરમિયાન એસબીઆઈએ પણ ગ્રાહકોની મુશ્કેલી વધારે તેવા અહેવાલ આપ્યા છે.
તમામ સમયગાળા માટે MCLR રેટમાં વધારો કર્યો
એક અહેવાલ અનુસાર સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ તમામ સમયગાળા માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR)માં 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરી દીધો છે. આ વધારા સાથે જ હવે હોમ લોન, પર્સનલ લોન, અને ઓટો લોન વગેરે મોંઘી થઈ જશે. એટલે કે હવે તમે એસબીઆઈથી લોન લેશો તો પહેલા કરતા વધારે ઈએમઆઈ ચૂકવવું પડશે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. બેન્કની સત્તાવાર વેબસાઈટ અનુસાર આ નવા વ્યાજદર 15 ફેબ્રુઆરીથી લાગુ થશે.
શું હોય છે MCLR રેટ ?
એસબીઆઇએ ઓવરનાઈટ MCLR રેટ 10 બેસિસ પોઇન્ટ વધારી 7.85 ટકાથી 7.95ટકા કરી દીધા છે. જ્યારે 1 મહિના માટે એમસીએલઆર રેટ 8 ટકાથી વધારી 8.10 ટકા કરી દેવાયો છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR) એ મિનિમમ દર છે જેના પર બેન્ક તેના ગ્રાહકોને લોન આપી શકે છે. આરબીઆઇએ અલગ અલગ પ્રકારની લોન પર વ્યાજદરોને ડિસાઈડ કરવા માટે 2016માં એમસીએલઆર રેટની શરૂઆત કરી હતી.