Today Gujarati News (Desk)
ભારતીય નૌકાદળની મહિલા અધિકારી દ્વારા 2300 કિલોમીટર સુધી કાર ચલાવી નારી શક્તિની અનુભૂતિ કરાવવાનું અભિયાન હાથ ધરાયું છે. દેશ તેમજ નૌસેનાની વીર મહિલાઓને શ્રદ્ધાંજલી આપવા કાર અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ યાત્રા દિલ્હીના વૉર મેમોરિયલથી શરૂ થઈ છેક રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ સુધી જશે. આ દરમિયાન ઘણા સ્થળો પર વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ યાત્રાનો મુખ્ય હેતુ નારી શક્તિની તાકાત દેખાડવાનો, મહિલાઓનો જાગૃત કરવાનો અને યુવતીઓને નૌસેનામાં જોડાવાનો છે.
નેવી વેલનેસ એન્ડ વેલ્ફેર એસોસીએશન (NWWA)એ દેશ તેમજ ભારતીય નૌકાદળની વીર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મહિલા મોટર અભિયાન ચલાવવા મેસર્સ જીપ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે.
શી ઈઝ અનસ્ટોપેબલ…
ઑવ લુમન કાર રેલી ‘શી ઈઝ અનસ્ટોપેબલ (તેઓ અજેય છે)’ની ટેગ લાઈન સાથે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી રાજસ્થાનના લોંગેવાલાના યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. આ રેલી 12 દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી-2023 સુધી યોજાશે. આ રેલી દિલ્હીથી જયપુર, બીકાનેર, જેસલમેર, લોંગેવાલા, જોધપુર થઈ 2300 કિલોમીટર સુધીનો સફર પૂરો કરશે.
સૈનિકોના પરિવાર સાથે કરશે મુલાકાત
આ રેલી દરમિયાન NWWAના પ્રમુખ તેમજ સભ્યો પૂર્વ સૈનિકોના પરિવારો સાથે વાતચીત કરશે. શાળાઓ, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં આઉટરીચ કાર્યક્રમ પણ યોજશે. ઉપરાંત મહિલા અધિકારીઓ ભારતીય નૌસેના દ્વારા પ્રદાન કરવામાં આવતી કારકિર્દીની તકો વિશે પણ જાગૃતિ અભિયાન ચલાવશે. મહિલા અધિકારીઓ કેટલીક શાળાઓ, કોલેજોમાં અગ્નિવીર તેમજ નૌસેનામાં સામેલ થવા માટે અન્ય યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને પ્રેરિત કરશે.