Today Gujarati News (Desk)
અમેરિકાના સૈન્ય તરફથી આકાશમાં એક પછી એક અનેક શંકાસ્પદ વસ્તુઓને ઠાર કરાયાના મામલા બાદ ફરી એકવાર એલિયન્સનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અમેરિકી સૈન્યના એક જનરલે પણ કહ્યું કે એલિયન્સની હાજરી વિશે ઈનકાર ન કરી શકાય પણ એ તપાસનો મામલો છે. અમેરિકી આકાશમાં મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓની તપાસ બાદ જ જાણી શકાશે કે ખરેખર મામલો શું છે?
અમેરિકી અધિકારીએ શું કહ્યું?
અમેરિકી એરફોર્સના એક જનરલ ગ્લેન વાનહર્કે ગુપ્તચર નિષ્ણાતોના હવાલાથી કહ્યું કે આપણે એલિયન્સ કે પછી કોઈ અન્ય વસ્તુની હાજરીને નકારી ના શકીએ. તેમણે કહ્યું કે હું ગુપ્તચર એજન્સીઓ અને કાઉન્ટી ઈન્ટેલિજન્સને આ અંગે તપાસ કરવા દઈશ. હું હાલ તો કોઈ પણ દાવાને નકારી શકું તેમ નથી. આ તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. તેના બાદથી લઈને અત્યાર સુધીમાં અમેરિકી સૈન્ય વધુ બે શંકાસ્પદ વસ્તુઓને તોડી પાડી ચૂક્યું છે. તેમાં એક તો કેનેડામાં તોડી પાડી હતી.